અમદાવાદના શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં.
4 દિવસમાં બીજી વખત બેદરકારીના આક્ષેપથી હોબાળો.
ડૉક્ટર્સની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ.

અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ બેદરકારીના આરોપ લગાવ્યા છે, જ્યારે હોસ્પિટલ તંત્રએ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર દર્દીને માત્ર ગેસની સમસ્યા હતી, તેમ છતાં ડૉક્ટર દ્વારા ઑપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારનો એવો પણ આરોપ છે કે દર્દીનું ઑપરેશન કરતા પહેલાં તેમની યોગ્ય મંજૂરી લેવામાં આવી નહોતી અને પરિવારને જાણ કર્યા વિના જ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ શારદાબેન હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. હેતલ વોરાએ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. ડૉ. હેતલ વોરાના જણાવ્યા અનુસાર દર્દી શુક્રવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે દર્દીને માત્ર ગેસની સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહોતા.

દર્દીના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. સાથે જ બેદરકાર ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલ તંત્રનો દાવો છે કે દર્દી અને તેમના સંબંધીને સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ડૉક્ટરોએ દર્દીની તબિયત અને સારવાર અંગે સમજાવટ કર્યા બાદ જ ઑપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના જણાવ્યા અનુસાર સારવારની દરેક પ્રક્રિયા તબીબી ધોરણો મુજબ કરવામાં આવી હતી અને તેમાં કોઈ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી નહોતી…….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *