વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. પર દાદાગીરીનો આક્ષેપ.
દિવાળીપુરા કોર્ટમાં અમદાવાદના વકીલને મહિલા પી.આઈ.એ લાફો માર્યાનો આક્ષેપ.
વકીલે આક્ષેપ કરી પીઆઇને ડિસમિસ કરવાની માગ કરી
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટના વકીલે ગોરવા પોલીસ મથકના મહિલા પીઆઇએ થપ્પડો મારી હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી ગઈ હતી. બે આરોપીઓને કોર્ટમાં સીધા રજૂ કરતાં પોલીસ અધિકારી અકળાયા હોવાનો વકીલે આક્ષેપ કરી પીઆઇને ડિસમિસ કરવાની માગ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઇ સી.એચ. આસોદરા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી અને અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. વકીલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, બોલાચાલી દરમિયાન પીઆઇ સી.એચ. આસોદરાએ તેમને બે લાફા માર્યા હતા. આ ઘટનાને પગલે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા વકીલ મંડળે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને ઘટનાની ગંભીર નોંધ લીધી છે. વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આક્ષેપિત પોલીસ અધિકારી સી.એચ. આસોદરાને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. આ ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટના અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલે વધુ માહિતી આપી છે
વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે, જો આ અધિકારી વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને કારણે કોર્ટ પરિસરમાં થોડા સમય માટે તણાવભર્યો માહોલ સર્જાયો હતો. પોલીસ અને વકીલ મંડળ વચ્ચે આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, આ વિષયમાં મામલો ઉગ્ર બનતા ચાર પોલીસ સ્ટેશનના PI, ACP સહિતનો સ્ટાફ કોર્ટમાં દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે હાલ સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી