સુરતમાં પત્નીના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
પિતાએ પુત્રવધુ અને એક વિધર્મી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી
ઉત્રાણ પોલીસે શીતલ અને મોહસીન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી
અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા યુવાન વેપારીએ પત્નીના ત્રાસના કારણે ઝેર પી લઈને મોતને વહાલું કર્યુ હતું. આ ચકચારી બનાવમાં યુવકના પિતાએ પુત્રવધુ અને એક વિધર્મી સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્યેરણાની ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી બનાવમાં ઉત્રાણ પોલીસે શીતલ અને મોહસીન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી છે.
ઉત્રાણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજકોટના ગોંડલનો અને હાલ અબ્રામા રોડ ઉપર પંચતત્ત્વ રેસિડન્સીમાં રહેતા મનસુખ ટપુભાઈ સાટોડિયા એમ્બ્રોઈડરીના કારખાનામાં સુપરવાઈઝર છે. ઓનલાઈન કુર્તિનો ધંધો કરતાં તેમના નાના પુત્ર જયદીપે ગત તારીખ 30 ઓક્ટોબર 2023ના રોજ શીતલ લાલુભાઈ રાઠવા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન કર્યાને હજી બે મહિના થયા હતા, ત્યાં જ શીતલ પતિ જયદીપ સાથે નાનીનાની વાતોમાં ઝઘડા કરીને માનસિક ત્રાસ આપતી હતી. પતિને વાળ ખેંચીને માર મારતી હતી. શીતલ ત્યારબાદ અડાજણમાં રહેવા જતી રહી હતી. બંને વચ્ચે મનમેળ નહીં હોવાથી તારીખ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ છૂટાછેડા પણ થઈ ગયા હતા. તારીખ 2 મે 2025ના રોજ જયદીપ સાટોડિયાએ મોટા વરાછા દુખિયાના દરવાજા રોડ ઉપર હની બંગલોની ખુલ્લી જગ્યામાં ઝેર પી લઈને આપઘાત કર્યો હતો. મૃતક જયદીપના પિતા મનસુખ સાટોડિયાએ શીતલ સહિત સાત વિરુદ્ધ આપઘાતમાં મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ઉત્રાણ પોલીસ મથકના પીઆઈ ડી.યુ. બારડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતા શીતલ લાલુભાઈ રાઠવા અને નવસારીના મોહસીન ઉર્ફે ટાઇગર હનીફભાઈ મેમણની નવસારીથી ધરપકડ કરી છે.