સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી
હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રાજ્ય સરકારના નિર્દેશ બાદ ઉચ્ચસ્તરીય તપાસ
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાત મામલે આખરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશો અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ મૃતક ડૉ. હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદના આધારે જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી અને ટેકનિશિયનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપવામાં આવ્યો હતો. તપાસ બાદ શિસ્તભંગ બદલ ડૉ. નિરાલી, ડૉ. અનુજ, ડૉ. દીક્ષિતા અને ડૉ. હિનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા ચારેય ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજ કાઉન્સિલની સર્વાનુમતે બહાલી બાદ વહેલી સવારે સમગ્ર તપાસનો સત્તાવાર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે. હવે આ મામલે આગળ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *