હિંમતનગર શહેરથી પસાર થતો નેશનલ હાઇવે 48 બિસ્માર બન્યો…
કેટલીક જગ્યાએ તો બેરીકેટ મૂકીને અડધા રોડ બંધ કરવા પડ્યા
છેલ્લા છ વર્ષથી બની રહેલા ચિલોડા શામળાજી નેશનલ હાઇવે નંબર 48 માં ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે, એવું લાગી રહ્યું છે, કારણ કે લોકાર્પણ પહેલાં જ હાઇવે બિસ્માર થયો છે, તો જે પુલ બે મહિના પહેલા જ ખુલ્લા મુકાયા છે, તેમાં પણ ખાડા પડી ગયા છે, તો કેટલીક જગ્યાએ તો બેરીકેટ મૂકીને અડધા રોડ બંધ કરવા પડ્યા છે.
સાબરકાંઠા હિંમતનગરથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર લોકો ભલે માતબર ટોલ ટેક્સ ભરતા હોય પરંતુ તેમને જે રોડની સુવિધા મળવી જોઈએ તે છેલ્લા છ વર્ષથી મળતી નથી. છેલ્લા છ વર્ષથી ચિલોડા શામળાજી નેશનલ હાઇવે નંબર 48 ની કામગીરી ચાલી રહી છે. પરંતુ રોડનું લોકાર્પણ તો હજુ થયુ નથી અને અહી ત્રણથી ચાર વાર પેવરીંગ કરવા પડ્યા છે. તો બીજી બાજુ છેલ્લા છ માસમાં બનેલા બ્રિજ પણ વચ્ચેથી ફૂલી ગયા છે. કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનેલા સાંતલપુર હાઇવે પર ખાડા પડતા એની તપાસ થઈ હતી અને રોડ કોન્ટ્રાક્ટરને અઢી કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે છેલ્લા છ વર્ષથી વારંવાર તૂટતા અને થીગડા મરાતા નેશનલ હાઇવે નંબર 48 ના કોન્ટ્રાક્ટરો સામે કેન્દ્ર સરકાર રહેમ નજર દાખવી રહી છે. આ હાઇવે પર ખાડાથી ગાડીઓને ભારે નુકસાન થઈ રહ્યુ છે, છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. હવે કોંગ્રેસે આ મામલે આંદોલનની જાહેરાત કરી છે. એકાદ વર્ષ પહેલા કોંગ્રેસે આ જ રોડ મુદ્દે હોબાળો કર્યો હતો, જેને લઈને જે તે વખતે સર્વિસ રોડ વ્યવસ્થિત કરાયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
