સુરતમાં રીબડીયા પરિવારમાં સામાજિક એકતા અને નારી શક્તિનો અનોખા સંગમ
નવા રિંગરોડ ખાતે આવેલા રતન ફાર્મમાં રીબડીયા પરિવારનું ૨૬મું સ્નેહમિલન
‘વુમન એમ્પાવરમેન્ટ’ એટલે કે નારી શક્તિની અદ્ભુત ઝલક જોવા મળી
સુરત શહેરમાં સામાજિક એકતા અને નારી શક્તિના અનોખા સંગમ સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના નવા રિંગરોડ ખાતે આવેલા રતન ફાર્મમાં રીબડીયા પરિવારનું ૨૬મું સ્નેહમિલન ખૂબ જ ઉત્સાહભેર યોજાયું હતું. આ વર્ષે આ સ્નેહમિલનની ખાસિયત એ રહી કે તેમાં ‘વુમન એમ્પાવરમેન્ટ’ એટલે કે નારી શક્તિની અદ્ભુત ઝલક જોવા મળી હતી
આ વર્ષે સુરતમાં રીબડીયા પરિવારના ૨૬માં સ્નેહમિલનમાં દીકરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, સમગ્ર સ્ટેજ સંચાલન માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્ટેજ પર આમંત્રિત તમામ મુખ્ય મહેમાનો પણ મહિલાઓ જ હતા અને સમાજની તેજસ્વી મહિલાઓનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં ઉપસ્થિત સૌ કોઈએ રીબડીયા પરિવારના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું. સામાજિક રીત-રિવાજોની સાથે-સાથે નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને સામાજિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના ક્લાસ-૨ અધિકારી અક્ષર સોનાણીએ ખાસ હાજરી આપી હતી. તેમણે પરિવારના વિદ્યાર્થીઓને GPSC (જીપીએસસી) ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને સરકારી ક્ષેત્રે કારકિર્દી કેવી રીતે બનાવવી, તે અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી.
સુરતમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર સંદીપ વેકરીયાએ સમાજ હિતના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આજના ડિજિટલ યુગમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ, તેમણે આજની યુવા પેઢી અને બાળકોને નશીલા પદાર્થો એટલે કે વ્યસનોથી દૂર રહેવા માટે એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી, જેથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે. રીબડીયા પરિવારનું આ ૨૬મું સ્નેહમિલન માત્ર એક સામાજિક ગેટ-ટુગેધર ન રહેતા, નારી શક્તિ સન્માન, શિક્ષણ અને વ્યસનમુક્તિના સંદેશ સાથે સમાજ માટે એક પ્રેરણારૂપ ઉત્સવ બની રહ્યું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
