પાંડેસરામાં રખડતા શ્વાનનો આતંક,
14 વર્ષીય કિશોર પર હુમલો થતાં સિવિલ ખસેડાયો
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા 14 વર્ષીય કિશોર પર શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં કિશોર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ગણેશનગર વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા 14 વર્ષીય કિશોર પર અચાનક શ્વાને હુમલો કરી દીધો હતો. શ્વાનના હુમલામાં કિશોરના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારજનોએ તાત્કાલિક કિશોરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગણેશનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા શ્વાનનો ત્રાસ છે. તો સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે નોકરી પર જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને પણ રખડતા શ્વાનના હુમલાનો ભય સતાવી રહ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ સુરત મહાનગર પાલિકા સમક્ષ રખડતા શ્વાનને લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
