અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ તંત્ર સામે મોરચો માંડયો.
ખરાબ રસ્તાઓને લઈ તંત્ર પર કર્યા ભ્રષ્ટાચારના આરોપ.
સરકાર મોકલે રૂપિયો અને કામ 30 પૈસાનું થાય
ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને શહેર-ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પેરીસ જેવા થઈ જશે તેવી ડીંગો હાંકે છે. ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદે રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે.
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ‘એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે. એક પછી એક ભાજપના સાંસદ, ધારાસભ્ય, નેતાઓ હવે ખુલીને સરકાર સામે નિવેદનબાજી કરતાં થયાં છે.’ ભારે વરસાદને કારણે આખાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાવાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. આ કારણોસર સમારકામનો દેખાડો કરીને પ્રજાનો રોષ ઠારવા સરકારે ધમપછાડાં કર્યાં છે.
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ફરી એક વાર સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં રસ્તા બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટ રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં રસ્તાની એવી દુર્દશા થઈ છે કે, લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર થયાં છે. તેમણે ઉદાહરણ ટાંક્યું કે, અમરેલીથી સુરત જવું હોય તો 18 કલાક થાય છે.અત્યાર સુધી ભાજપનાનેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં હતાં કે, કેન્દ્રમાં 1 રૂપિયો મોકલાય તો અરજદારને 20 પૈસા જ મળે છે. હવે ઘડિયાળના કાંટા ઉંધા ફર્યાં છે. ભાજપના સાંસદ ખુલ્લેઆમ કહેતાં થયાં છે કે, રોડ રસ્તા માટે એક રૂપિયો ખર્ચ દેખાડાય છે પણ વાસ્તવમાં 30 પૈસાનું જ કામ થાય છે. એટલે કે, 70 પૈસાની ખાયકી થઈ રહી છે. આમ, ભાજપના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પોલ ખુલ્લી પાડી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
