જામનગરમાં વિરોધ પક્ષનો અનોખો વિરોધ
ભ્રષ્ટાચાર, રોડ રસ્તા સહિતના મુદ્દે કર્યો વિરોધ
ઢોલ, નગારા, ઝાલર અને ઘંટ વગાડી મેયરને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ
જામનગર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને બિસ્માર રસ્તાઓના પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ સામે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો.
આજે જામનગર કોંગ્રેસના કાર્યકરોએ મેયરની ચેમ્બર અને સ્ટેન્ડિંગ કમિટીના હોલ પાસે ઢોલ, નગારા, ઝાલર અને ઘંટ વગાડીને મેયરને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. મેયર ઓફિસમાં હાજર નહી હોવાથી તેમની ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડી દેવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કોંગ્રેસે તંત્ર અને મેયર પર આકરા પ્રહારો કર્યા છે. આવેદનમાં જણાવાયું છે કે, “મેયર સત્તાના નશામાં હોદ્દાનું ભાન ભૂલી ગયા હોય તેમ લાગે છે. ખુદ મેયરના વોર્ડમાં પણ અનેક સમસ્યાઓ છે, છતાં કામ કરાવવાના બદલે કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે. શું લોકોએ 40 ટકા કમિશન ખાવા માટે મત આપ્યા હતા?” કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રસ્તાના ખાડા તો ભરાયા નથી, પરંતુ કમિશનથી ખિસ્સા ભરાઈ ગયા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે શાસકો પર દબાણ લાવવાનો હતો.
આવેદનપત્રમાં શહેરની અન્ય મુખ્ય સમસ્યાઓ જેવી કે ખરાબ રસ્તાઓ, કચરાના ઢગલા, અપૂરતી સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ ન થતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શાસકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ આવેદનપત્ર માત્ર વાંચીને ફેંકી દેવા માટે નથી, પરંતુ જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
