સુરત ડભોલી ગામ સ્થિત કિરણ ક્લાસિક બિલ્ડિંગમાં બિલ્ડરની બેદરકારી
પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ
લાખો રૂપિયાના ફ્લેટ ખરીદ્યા બાદ પણ સુવિધાના નામે શૂન્ય
સુરત ડભોલી ગામ સ્થિત કિરણ ક્લાસિક બિલ્ડિંગમાં બિલ્ડરની બેદરકારી સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાખો રૂપિયાના ફ્લેટ ખરીદ્યા બાદ પણ સુવિધાના નામે શૂન્ય હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો.
સુરતના ડભોલી ગામના કિરણ ક્લાસિક બિલ્ડિંગના રહીશો છેલ્લા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે જ્યારથી તેઓ અહીં રહેવા આવ્યા છે ત્યારથી પાણી સમયસર મળતું નથી, જેના કારણે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ફ્લેટ ધારકોનો આક્ષેપ છે કે અનેક વખત બિલ્ડરને રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. લાખો રૂપિયાનો ખર્ચ કરીને ફ્લેટ ખરીદ્યા છતાં સુવિધાના નામે કશું જ મળતું નથી. માત્ર પાણી જ નહીં, બિલ્ડિંગમાં ડ્રેનેજની સમસ્યા પણ ગંભીર બની છે. ગટરના પાણી કમ્પાઉન્ડમાં ફરી વળતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે.
અનેક રજૂઆતો છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં રહીશો પોતાને છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રહીશોનો આરોપ છે કે ફ્લેટ વેચીને પૈસા વસૂલ્યા બાદ બિલ્ડરોએ જવાબદારીમાંથી હાથ ઝાળી લીધા છે. હવે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે.
