સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં શાતિર ગેંગ
મોબાઈલ ચોરી કરતી શાતિર ગેંગને પોલીસે ઝડપી
વાહનો સહિત કુલ રૂ. 2,04,999 નો મુદ્દામાલ કબજે કર્યો
સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી બાદમાં ચાલાકીપૂર્વક મોબાઈલ ચોરી કરતી શાતિર ગેંગનો ઈચ્છાપોર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલા વાહનો સહિત કુલ રૂ. 2,04,999 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા. 07 મે 2026ના રોજ ઈચ્છાપોર પોલીસ મથકે મોબાઈલ ચોરીની બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. પ્રથમ બનાવમાં ગોલુ વેલજી ડામોર અને તેમના સાળા અમિત જુના કવાસ ગામ જવા માટે ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નજીક રીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક રીક્ષા ચાલકે તેમને બેસાડ્યા હતા. ઓ.એન.જી.સી. સર્કલ નજીક પહોંચ્યા બાદ રીક્ષા ચાલકે અગત્યનું કામ હોવાનું કહી બંનેને ઉતારી દીધા હતા. ત્યારબાદ એક બર્ગમેન મોપેડ ચાલક સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવ્યો હતો. આ દરમિયાન તેમની નજર ચૂકવી VIVO Y400 અને OPPO A3 PRO મોબાઈલ ચોરી લેવામાં આવ્યા હતા. બીજા બનાવમાં રાજેશ યાદવનો પુત્ર પ્રિન્સ ટ્યુશનથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠો હતો. તેને પણ અધવચ્ચે ઉતારી બર્ગમેન ચાલકે વાતોમાં ભુલાવી તેનો Samsung F15 મોબાઈલ ફોન ચોરી લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પી.આઈ. એસ.એ. શાહના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી આરોપીની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે બાતમીના આધારે સાહિલ સમીર ખાનને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલા ત્રણેય મોબાઈલ ફોન ઉપરાંત ગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા અને બર્ગમેન મોપેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં VIVO Y400, OPPO A3 PRO અને Samsung F15 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 54,999 થાય છે. ઉપરાંત GJ-05-UD-5769 નંબરની બર્ગમેન મોપેડ અને GJ-05-CV-0412 નંબરની ઓટો રીક્ષા પણ કબજે લેવામાં આવી છે. ઈચ્છાપોર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
