સરતના ડિંડોલી વિસ્તારમાં 10 મા માળેથી પટકાતા મહિલા કામદારનું મોત
પરિવારજનોનો ડીંડોલી પોલીસ મથક બહાર હોબાળો
કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી
સુરતના ડિંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગના દસમા માળેથી પટકાતા મહિલા કામદારનું કરુણ મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે કામદારો અને પરિવારજનોએ ડીંડોલી પોલીસ મથક બહાર હોબાળો મચાવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
મળતી માહિતી મુજબ ડીંડોલી મધુરમ સર્કલ પાસે નવી બંધાતી ‘પ્રયોશા જ્વેલ’ નામની બિલ્ડીંગમાં મહિલા કામદાર મજૂરી કામ કરી રહી હતી. દરમિયાન દસમા માળેથી રેતી ખાલી કરતી વેળાએ અચાનક સંતુલન ગુમાવતા મહિલા નીચે પટકાઈ હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. કામદારોનો આક્ષેપ છે કે સાઈટ પર કામ કરતા કારીગરો માટે પૂરતી સેફટી વ્યવસ્થાનો અભાવ હતો. સેફટી બેલ્ટ સહિતની જરૂરી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર અને બિલ્ડર દ્વારા મજૂરોની સલામતી મામલે બેદરકારી દાખવાઈ હોવાના સવાલો ઊભા થયા છે. હાલ ડીંડોલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
