ટ્રંપના 50 ટકા ટેરિફ બાદ ભારતમાં સ્વદેશી અપનાવવા મુહિમ શરૂ
અમરેલીના અનુકંપા ફાઉન્ડેશનએ અનોખી પહેલ કરી.
સ્વદેશી પ્રોડક્ટ પર એવું ચિહ્ન લગાવો કે જેનાથી લોકો સરળતાથી ઓળખી શકે
અમરેલીમાં સ્વદેશી ઉત્પાદનોની સરળ ઓળખ માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. અનુકંપા ફાઉન્ડેશને ભારતીય ઉત્પાદકોને તેમના ઉત્પાદનો પર વિશિષ્ટ ચિહ્ન મૂકવાનું આહ્વાન કર્યું છે. આ પહેલનો સૌપ્રથમ સ્વીકાર અમરેલીની એક ખાનગી કંપનીએ કર્યો છે.
અમરેલીમાં સ્વદેશી ઉત્પાદનોની સરળ ઓળખ માટે એક નવતર પહેલ શરૂ કરતા કંપનીએ પોતાના ઉત્પાદનોના પેકેજિંગ પર કેસરી રંગનું સિમ્બોલ અને આત્મનિર્ભર ભારતનો લોગો મૂકવાની શરૂઆત કરી છે. કંપનીના માલિક દિનેશ ભુવાના જણાવ્યા અનુસાર, તેમની કંપની 450થી વધુ ઉત્પાદનો બનાવે છે. હાલમાં ચાર ઉત્પાદનો પર આ લોગો લગાવવામાં આવ્યો છે. નજીકના ભવિષ્યમાં તમામ ઉત્પાદનો પર આ લોગો મૂકવામાં આવશે. આ પહેલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ બાદ શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વદેશી અપનાવવા માટે દેશવાસીઓને અપીલ કરી છે. અનુકંપા ફાઉન્ડેશન આ કેસરી લોગોનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી
દીધી છે. અમરેલી અનુકંપા ફાઉન્ડેશન પ્રમુખ ડૉ.ભરત કાનાબારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવવાની મુહિમ ચલાવી રહ્યા છે. ત્યારે સામાન્ય નાગરિકો કઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહારની છે, એ આરામથી ઓળખી શકે તે માટે એક સિમ્બોલ હોવો જોઈએ તેવો મને વિચાર આવ્યો. જેથી કેસરી કલર અથવા ભગવા કલરનું ચિન્હ લગાવવા નિર્ણય કર્યો. આત્મનિર્ભરનો સિમ્બોલ બનાવ્યો છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોજિંદા વપરાશની વસ્તુઓમાં સ્વદેશી અને વિદેશી ઉત્પાદનોની ઓળખ સરળતાથી કરી શકાય તે છે. કંપની આગામી સમયમાં તેમના તમામ ઉત્પાદનોના પેકેજિંગમાં નવી ડિઝાઇન સાથે આ લોગો સામેલ કરશે. લોકો સહેલાયથી સ્વદેશી વસ્તુ ઓળખી શકશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
