વડોદરામાં બેફામ થાર ચાલકે એક્ટીવા પર સવાર યુવકને લીધો અડફેટે.
અકસ્માતમાં એક્ટીવા ચાલક યુવક અભિષેક મોરેનું મોત.
અકસ્માત કરનારી યુવતીનું નામ રૂષીકા સદનાની.
વડોદરામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર એક બેફામ ગતિએ દોડતી થાર કારની મહિલા ચાલકે એક્ટિવા સવાર યુવકને જોરદાર ટક્કર મારીહતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર, ગત 13 ફેબ્રુઆરીની રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી ઋષિકાબેન સરનાની નામની મહિલાએ પોતાની થાર કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અભિષેકને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકે સ્થળ પર જ દમ તોડ્યો હતો. મૃતક અભિષેક ફૂડ ડિલિવરીનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. ઘરના જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી મોરે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના માર્ગો પર મોડી રાત્રે નબીરાઓ દ્વારા કરવામાં આવતા જોખમી ડ્રાઈવિંગને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતકના પિતા વાસુદેવભાઈ મોરેની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે. અકસ્માત સમયે મહિલા નશાની હાલતમાં હતી કે કેમ, તે જાણવા માટે પોલીસે મેડિકલ તપાસ સહિતની દિશામાં કાર્યવાહી તેજ કરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
