તાપી જિલ્લાના ઉચ્છલના ટોકરવા પાસે મોટો અકસ્માત ટળ્યો
એસ.ટી. બસ અને કન્ટેનર કાદવમાં ફસાયા, બાઇકનો કચ્ચરઘાણ
એક જ દિવસમાં સર્જાયા 8 અકસ્માત
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા વ્યસ્ત ઉચ્છલ-નિઝર હાઇવે પર એક વિચિત્ર અને આશ્ચર્યજનક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ઉચ્છલના ટોકરવા ગામ નજીક રોડની નબળી સ્થિતિ અને રોડ ઉપર ચીકણું પદાર્થના કારણે સુરતથી નિઝર નંદુરબાર જતી એસ.ટી. બસ અને એક કન્ટેનરના ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવતા બંને ભારે વાહનો રોડની બાજુમાં આવેલા ઊંડા કાદવમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માત એટલો અચાનક સર્જાયો હતો કે થોડીવાર માટે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી. કન્ટેનરે બાઇકને કચડી નાખી, ચાલકે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો.પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે કન્ટેનર (રજી.નં. MH 39 C 1631) અને ગુજરાત એસ.ટી. બસ અનિયંત્રિત થયા, તે જ અરસામાં રોડની સાઇડ પર એક મોટરસાઇકલ ઊભી હતી. કન્ટેનર બેકાબૂ બનીને સીધું આ બાઇક પર ચઢી ગયું હતું, જેના કારણે બાઇકને ભારે નુકસાન થયું છે અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જોકે, સદ્નસીબે બાઇક ચાલકે અકસ્માતની ગંભીરતા પારખીને સમયસર પોતાની બાઇક છોડીને બાજુ પર કૂદી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો અને તેનો જીવ બચી ગયો હતો. એસ.ટી. બસના મુસાફરો હેમખેમ, મોટી હોનારત ટળી સુરતથી મુસાફરોને લઈને નિઝર, નંદુરબાર તરફ જઈ રહેલી એસ.ટી. બસ પણ આ રોડની ઝપેટમાં આવી જતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બસમાં સવાર તમામ મુસાફરો ડરના માર્યા ચીસાચીસ કરવા લાગ્યા હતા. પરંતુ, સદ્નસીબે બસ પલટી ખાવાથી બચી ગઈ હતી અને માત્ર કાદવમાં જ ફસાઈ હતી. રોડ ચીકણો થઈ જવાથી વાહનો સ્લીપ થયા આ ચોંકાવનારી ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે કે, આ જ રોડ પર રોડની ઉપર કોઈ ચીકણું પદાર્થ બહાર નીકળે છે એ હવે ઓઇલ છે કે ડામર પરંતુ જે પણ હોય જેના કારણે રોડ અત્યંત ચીકણો થઈ ગયો હતો, જેના લીધે માત્ર આ એક જ દિવસમાં બુરેલો સહિત કુલ 8 જેટલા અકસ્માતો સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. રોડની આ ગંભીર સ્થિતિના કારણે વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જીવનું જોખમ બન્યું હતું.
