વેસુમાં 22 ફૂટ ઊંચી પર્યાવરણમિત્ર ગણેશ મૂર્તિ
આજે રાત્રે 8 વાગ્યે ભવ્ય આગમનયાત્રા
ડ્રોન શો અને કલાકારોની રજૂઆત બનશે આકર્ષણ
સુરતના વેસુમાં લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ-2026ની ભવ્ય તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોય તેમ 22 ફૂટ ઊંચી ટીસ્યુ પેપરથી બનેલી પર્યાવરણમિત્ર ગણેશ મૂર્તિ ગણેશોત્સવ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે રાત્રે 8 વાગ્યે ભવ્ય આગમનયાત્રા યોજાશે, જેમાં ડ્રોન શો સહિત જાણીતા કલાકારોની રજૂઆત જોવા મળશે.
સુરતના વેસુમાં આ વખતે ગણેશોત્સવનો ભવ્ય અને અનોખો નજારો જોવા મળશે. હેપ્પી એક્સેલન્સિયા સામે આવેલા બાલર ફાર્મ ખાતે 40 હજાર ચોરસ ફૂટના વિશાળ સંકુલમાં લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ બનશે 22 ફૂટ ઊંચી ટીસ્યુ પેપરથી બનાવાયેલી પર્યાવરણમિત્ર ગણેશ મૂર્તિ. રોયલ સિંહાસન પર બિરાજમાન બાપ્પાની પ્રતિમા ચાંદીના દાગીના અને સોનાના વરખથી શણગારવામાં આવશે. જાણીતા શિલ્પકાર સિદ્ધેશ દિઘોલેએ આ ભવ્ય પ્રતિમા તૈયાર કરી છે. આજે એટલે કે 12 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ભવ્ય આગમનયાત્રા યોજાશે. આગમનયાત્રામાં ડ્રોન શો મુખ્ય આકર્ષણ રહેશે, સાથે સંગીતકાર ઉમેશ બારોટ, રાજ ગઢવી અને કિટ્ટૂ સિંઘે પર્ફોર્મન્સ આપશે. 11 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં અંદાજે 10 લાખ ભક્તો અને મુલાકાતીઓ આવે તેવી આયોજકોને અપેક્ષા છે. માત્ર દર્શન નહીં, પરંતુ સેવા અને સામાજિક જાગૃતિને પણ ઉત્સવનો ભાગ બનાવવામાં આવ્યો છે. મહાપ્રસાદ, ભોજન સેવા, મફત સંપૂર્ણ શરીર આરોગ્ય તપાસ, દવાઓ અને મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાશે. વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમના બાળકો તેમજ દિવ્યાંગ અને વિશેષ બાળકો માટે પણ વિશેષ સેવા અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક નિયમો, જાહેર સલામતી, સાયબર સુરક્ષા અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ જેવા સંદેશાઓ પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ સાથે સંકલન કરીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે, સમગ્ર આયોજન પાછળનો મુખ્ય સંદેશ છે દર્શન સાથે સેવા, ઉજવણી સાથે સંસ્કૃતિ અને ભવ્યતા સાથે જવાબદારી.
