શિક્ષણના નામે ઉઘાડી લૂંટ,
પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’
વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો
શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિધાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં “છાત્ર ગુંજ” કાર્યક્રમ યોજાશે ૨૨ લાખ નીટની તૈયારી કરતા વિધાર્થીઓનો ખર્ચ રૂ. ૧.૩૨ લાખ કરોડ અને દેશનું શિક્ષણ બજેટ ૧.૪૦ લાખ કરોડ છે ત્યારે પેપરલીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિધાર્થીઓના સપનાઓ ચકનાચૂર થયા છે અને વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે.
મોદી સરકારના ૧૦ વર્ષમાં ૮૯ પેપરલીક અને ૪૮ પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ દેશના પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિધાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિધાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ૨૨ લાખથી વધુ વિધાર્થીઓ અને ગુજરાતમાં ૮૦ હજારથી વધુ વિધાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિધાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે ૮૯ જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને ૪૮ જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી..
