દાહોદ સરકારી હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ,
60 થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલનીની ઘટના
આરોગ્ય વિભાગ દોડતુ થયુ
હાલ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર
લીમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 60 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ ખસેડાઈ હતી. હાલ કેટલીક વિદ્યાર્થિનીઓ હોસ્પિટલ અને કેટલીક હોસ્ટેલમાં સારવાર લઈ રહી છે.
મળતી વિગત અનુસાર ધાનપુર તાલુકાની મંડોર ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ હાલમાં મકાનના બાંધકામના કારણે લીમખેડાની મોડલ સ્કૂલના કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવેલ છે. ગતરાત્રે ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલની 360 જેટલી વિદ્યાર્થિનીઓ રાતનું ભોજન લીધા બાદ પોતાના રૂમમાં પરત આવી હતી. તેની થોડી જ મિનિટોમાં એક-બે છોકરીને પેટમાં દુખાવો અને ઉલટી થઈ હતી.
60 જેટલી છોકરીઓની તબિયત લથડી હતી આ બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, ત્યાં સુધીમાં તો 12 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી. જેના પગલે તાત્કાલિક તમામને લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ એક પછી એક 60 જેટલી વિદ્યાર્થિનીઓની પણ તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. એમ્બ્યુલન્સ મારફતે 56 વિદ્યાર્થિનીઓને લીમખેડા લઈ જવામાં આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
રાહત અને સારવાર કામગીરી બનાવને પગલે પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. પ્રાંત અધિકારીએ જરૂરી માહિતી મેળવી વિદ્યાર્થિનીઓની સારવારની વ્યવસ્થા ગોઠવી હતી. દર્દીઓની સંખ્યા વધતી જતી હતી, જેથી દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પણ વ્યવસ્થા તૈયાર કરાવી હતી. સાથે જ તમામનું સ્ક્રીનિંગ અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી હતી.
હોસ્ટેલના વોર્ડને શું કહ્યું… વોર્ડનનું કહેવું છે કે, 370 વિદ્યાર્થિનીઓ પૈકી 330 જેટલી છોકરીઓએ જમ્યા બાદ જમવાનું પૂરું થઈ ગયું હતું. બાકીની વિદ્યાર્થિનીઓ માટે ફરી જમવાનું બનાવ્યું. જ્યારે બધા જમીને હોસ્ટેલમાં ગયા, તેના અડધો કલાકમાં છોકરીઓની તબિયત બગડવા લાગી.
આરોગ્ય વિભાગ દોડતુ થયુ : અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પણ દોડી આવ્યા હતા અને અલગ અલગ ટીમોને જવાબદારી સોંપી સારવારની વ્યવસ્થામાં જોડાયા હતા. લીમખેડા અને પીપલોદમાં વિદ્યાર્થિનીઓને સારવાર હેઠળ રખાઈ હતી. તેમજ દેવગઢબારિયા અને દૂધિયા ખાતે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. હાલ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર : પ્રાંત અધિકારીએ તાત્કાલિક હોસ્ટેલનું પાણી બંધ કરી પીવા માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. સાથે જ હોસ્ટેલના તમામ વિદ્યાર્થિનીઓના મેડિકલ ચેકઅપની કામગીરી પણ શરૂ કરાઈ હતી. ઘટનાને પગલે અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરતા ધીરે ધીરે તમામની તબિયત સુધારા ઉપર જોવા મળી રહી હતી….