ગારિયાધારમાં ખેડૂત પર હુમલાના મુદ્દે ખેડૂતો એકત્ર
ખેતરમાં બકરા ચરાવવા મુદ્દે હુમલાના આક્ષેપ
ખેડૂતોનું તંત્રને આવેદનપત્ર, યોગ્ય કાર્યવાહીની માંગ
ગારિયાધારમાં ખેતરમાં બકરા ચરાવવા મુદ્દે ખેડૂત પર થઈ રહેલા હુમલા ને લઈને આ પંથક ના ખેડૂતો આજે એકત્ર થઈને તંત્ર ને આવેદનપત્ર પત્ર આપ્યું હતું.
આજે ગારીયાધાર માં ખેડુતો એ વિશાળ રેલી કાઢી છે અને ગારિયાધાર મામલતદાર તેમજ પોલિસ ઇન્સ્પેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે બનાવ ની વાત કરીએ તો ગારિયાધારના જૂના રતનવાવ રોડ પર ખેતરમાં બકરા ચરાવવા મુદ્દે બોલાચાલી બાદ ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદન મુજબ, ગારિયાધારના ખેડૂત જિગ્નેશ ભીમજી કાત્રોડિયા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક લોકો બકરા લઈને ખેતરમાં આવ્યા હતા અને ઉભા પાકમાં બકરા ચરાવવા લાગ્યા હોવાનો આક્ષેપ છે. ખેડૂતે બકરાને ખેતરમાંથી બહાર કાઢવા અને ઉભા પાકને નુકસાન ન કરવા જણાવતા બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ખેડૂત પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે પ્રથમ ગારિયાધાર અને ત્યારબાદ પાલીતાણા ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે ગારિયાધાર અને આસપાસના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી કડક કલમો હેઠળ ગુનો નોંધવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, ખેતરોમાં ઉભા પાકને નુકસાન કરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. હાલ ગારિયાધાર પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
