બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર
વર્તમાન સહકાર પેનલની હાર, કિસાન પરિવર્તન પેનલ વિજેતા
એશિયાની સૌથી મોટી સહકારી ખાંડ ફેક્ટરી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. પરિણામો જાહેર થતાં જ વર્તમાન સત્તાધારી ‘સહકાર પેનલ’ની કારમી હાર થઈ છે, જ્યારે સભાસદોએ પરિવર્તનનો સ્પષ્ટ મૌન જનાદેશ આપતાં ‘કિસાન પરિવર્તન પેનલ’નો ભવ્ય વિજય થયો છે.
આ ચૂંટણી પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે ભાજપના અગ્રણી નેતાઓ અને સ્થાનિક ઈશ્વરભાઈ પરમાર તેમજ ભાવેશભાઈ પટેલને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી સત્તા સ્થાને રહેલી પેનલ સામે ખેડૂતો અને સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. સહકારી સંસ્થામાં સતત વધી રહેલા રાજકીય હસ્તક્ષેપ અને રાજકીય પગપેસારા સામે ખેડૂતોએ આ ચૂંટણી દ્વારા સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે.
પરિણામો આવતા જ કિસાન પરિવર્તન પેનલના સમર્થકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બારડોલી સુગરના આ પરિણામો દક્ષિણ ગુજરાતના સમગ્ર સહકારી માળખા અને આગામી દિવસોના રાજકારણ પર ઊંડી અસર છોડશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
