બારડોલી નગરપાલિકાની ચૂંટણીનો જંગ
તંત્ર સજ્જ, ઇવીએમ સીલ કરાયાં
સુરત જિલ્લાના બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મતદાનના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે બારડોલી ખાતે ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આજે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સીલ કરાયેલા આ તમામ ઈવીએમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બારડોલીની બી.એ.બી.એસ હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ મશીનો હવે સીધા મતદાનના આગલા દિવસે જે-તે મતદાન મથકો પર રવાના કરવામાં આવશે. ચૂંટણીના મુખ્ય આંકડાઓ: બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. આ જંગમાં કુલ 79 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. નગરના અંદાજે 41 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે શહેરનું શાસન કોના હાથમાં સોંપવું તે નક્કી કરશે. તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે કુલ 46 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે સૌની નજર મતદાનના દિવસ પર ટકેલી છે…..
