જામનગરમાં AAP ના કોર્પોરેટર અસ્લમ ખિલજી પર હુમલો
ધારાસભ્યે કહ્યું અસામાજીક તત્વોએ કર્યો હુમલો
અસ્લમ ખિલજીની ધારાસભ્ય હેમંત ખવાએ કરી મુલાકાત
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે રાજકીય અદાવતમાં અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સોપારી આપી હુમલો કરાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અસલમ ખીલજી સોમવારે સાંજે મહાનગરપાલિકાની કચેરીએથી પોતાનું કામ પતાવી બાઈક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભીડભંજન રોડ પર એક કારમાં સવાર થઈને આવેલા પાંચ શખસોએ અસલમ ખીલજીને આંતર્યા હતા. તલવાર, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા લઈને આ હુમલાખોરો અસલમ ખીલજી પર તૂટી પડ્યા હતા. જેમાં અસલમ ખીલજીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અસલમ ખીલજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તે સારવાર હેઠળ છે. આ બનાવને પગલે કાલાવડ નાકા બહાર અને પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે તંગદિલી ફેલાઈ છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે.
આ મામલે અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ ખીલજીએ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હુમલા પાછળ વોર્ડ નંબર 12ના જ અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીનો હાથ છે. બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી રાજકીય રાગ-દ્વેષ અને પાવર ગેમ ચાલતી હતી, જેનો ખાર રાખીને અલ્તાફ ખફીએ પોતાના માણસો મોકલી અસલમની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્તાફ ખફી સહિત જુનેદ, રજાક ચૌહાણ, ઇસ્તીયાક, સલીમ ખીલજી, હબીબ ખફી અને સમીર સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
