સુરત જિલ્લા કલેકટરને વકીલ મંડળ દ્વારા રજુઆતો
સિટી સર્વે કચેરીમાં ચાલી રહેલી જોહુકમીના આક્ષેપો સાથે રજુઆત
સુરત જિલ્લા કલેકટરને વકીલ મંડળ દ્વારા સિટી સર્વે કચેરીમાં ચાલી રહેલી જોહુકમીના આક્ષેપો સાથે ગંભીર રજુઆતો કરાઈ હતી.
સુરત વકીલ મંડળ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. અને કહ્યુ હતુ કે સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે. વકીલનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી એન્ટ્રી ન થતાં તેઓ પોતાના ક્લાઈન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા, પરંતુ અધિકારીઓએ સાંભળવાની બદલે અપમાનજનક વર્તન કર્યું હતું. સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારી ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતી નથી, જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે.
વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અધિકારીઓનું એકતરફી રાજ ચાલી રહ્યું છે. જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે. વધુમાં સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઊભા રહીને કામ કરવું પડે છે. જેથી આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
