નિર્મળનગરમાં મમતા કાર્ડના લાભાર્થીઓ યોજનાથી હજુ પણ વંચિત
આંગણવાડી કર્મચારીઓ દ્વારા દર મહિને સહી લેવામાં આવે છે
સામગ્રી પ્રદાન કરવામાં નથી આવતી
ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા સરકારી યોજના મમતા કાર્ડના લાભાર્થીઓ છેલ્લા એક વર્ષથી યોજનાના અલગ અલગ લાભોથી હાલમાં પણ વંચિત છે આ કાર્ડ લાભાર્થીઓ માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતી ચીજ વસ્તુઓ ન મળતી હોવાની ફરિયાદ લાભાર્થીઓએ કરી છે ત્યારે આ અંગે તપાસ હાથ ધરવામાં આવે અને લાભાર્થીઓની વસ્તુઓ ક્યાં પગ કરી જાય છે તે બહાર લાવવાની માંગ કરવામાં આવી રહી છે.
શહેરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા અનેક લોકોએ સરકારી યોજનાના મમતા કાર્ડ ના લાભાર્થી બન્યા છે પરંતુ આ કાર્ડ દ્વારા લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ કે સરકારી સહાય યોજના નો લાભ નથી મળી રહ્યો. આ બાબતને લઈને લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે આ અંગે લાભાર્થીઓએ મીડિયા ને જણાવ્યું હતું કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મમતા કાર્ડ કઢાવ્યા એને એક વર્ષનો સમય થયો છે દર મહિને યોજના અંતર્ગત લાભાર્થીઓને ચીજ વસ્તુઓ અને રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ કે સહાયનું વિતરણ કરવામાં આવતું નથી દર મહિને આંગણવાડીની મહિલા કર્મીઓ દ્વારા રજીસ્ટરમાં સહી લઈ લેવામાં આવે છે અને ચીજ વસ્તુ માટે ગલ્લા તલ્લા કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ફાળવવામાં આવતી લાભાર્થીઓની ચીજ વસ્તુઓ ક્યાં પગ કરી જાય છે અને છેલ્લા એક વર્ષથી લાભાર્થીઓને કોઈ લાભ શા માટે નથી મળ્યા એ બાબતની તપાસની માંગ કરવામાં આવી છે આ અંગે લાભાર્થીઓ દ્વારા કમિશનર કલેકટર સહિતનાઓને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે
