અમરેલીમાં જન્મ દિવસે જ યુવકની અંતિમવિધિ કરાઇ
લાઠીમાં ‘બેટા’ બોલતા એસસી યુવકની હત્યા થઇ હતી,
મોડી રાત્રે પરિવારે લાશ સ્વિકારીને અંતિમવિધિ કરી
અમરેલીમાં અનુસૂચિત જાતિના યુવક નિલેશ રાઠોડની તારીખ 15 મી મેએ હત્યા કરાઈ હતી. જે મામલે ગઇકાલે તારીખ 25 મે 2025 ના રોજ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એસસી સમાજના લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન 4 થી 5 યુવકોએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
ગત 15 મે 2025નાં બપોરે નિલેશ રાઠોડે દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને ‘બેટા’ શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાઈને તેણે નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ 15 લોકોને બોલાવીને લાકડી અને કુહાડીથી તેને માર માર્યો હતો. માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમાં બચાવવા આવેલા પર પણ હુમલો કરાયો હતો. નિલેશને માથાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બચાવવા માટે આવેલા અન્ય લોકો ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતાં પ્રથમ અમરેલી હોસ્પિટલ બાદ વધુ ગંભીર હોવાથી ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 4 દિવસ પહેલાં સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. જેને પગલે અમરેલી શહેરમાં 16 મે એ લાલજી ચૌહાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
અગાઉ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી 10થી વધુ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં હતી અને પરિવારે 4 દિવસથી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન 4 થી 5 યુવકોએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાજર પોલીસે તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને વોટરકેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા. ગત મોડી રાત્રે પરિવાજનોએ લાશ સ્વિકારીને અંતિમવિધિ કરી હતી. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી