સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ હોમગાર્ડ સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો
ઉધના રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો
હેરાનગતિ ન કરવા બદલ 10 હજારની લાંચ માંગી હતી
સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઉધના રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો છે. પ્રોહિબિશન કેસમાં અટકાયત ન કરવા અને હેરાનગતિ ન કરવા બદલ 10 હજારની લાંચ માંગ્યાના આરોપ હેઠળ એસીબીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ શિવાજી ઉર્ફે શિવા ગોરખભાઈ ઉગલે વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ અરજદારના સહયોગીની માતા વિરૂદ્ધ નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં અટકાયત ન કરવા તેમજ હેરાનગતિ ન કરવા બદલ આરોપીએ 10 હજારની લાંચની માંગણી કરી હતી. અરજીના આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન રજૂ કરાયેલી સીડીની સ્ક્રિપ્ટ, સાક્ષીઓના નિવેદનો તેમજ અન્ય વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવાઓના આધારે લાંચની માંગણી થયાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. જેના આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13(2) મુજબ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ વલસાડ અને ડાંગ એસીબીના અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે.
