અમરેલીના ધારીમાં અસામાજિક તત્વો અને દારૂના દૂષણ સામે જનઆક્રોશ
દારૂના નશામાં 2 ખેડૂતો પર થયેલા હુમલા બાદ ફાટી નીકળ્યો રોષ
બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માગ
અમરેલી જિલ્લાના ધારીમાં પૂર્વ ધારાસભ્યના બે ભાઈઓ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. વાડીમાં નાહવાની બાબતે થયેલી બોલાચાલી બાદ દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વોએ લાકડીઓ અને હથિયારો વડે હુમલો કરતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી
અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારીના વેકરીયા પરા વિસ્તાર નજીક આવેલી એક વાડીમાં અસામાજિક તત્વોએ રીતસર આતંક મચાવ્યો હતો. વાડીમાં નાહવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દારૂના નશામાં ધૂત શખ્સોએ વાડી માલિક અને તેમના ભાઈ પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર બંને વ્યક્તિઓ ધારીના પૂર્વ ધારાસભ્યના સગા ભાઈઓ હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘાતકી હુમલાને પગલે લોહીલુહાણ થયેલા બંને પ્રૌઢ ભાઈઓને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ધારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યના પરિવારજનો પર ધોળા દિવસે હુમલો થયાની વાત વાયુવેગે ધારી શહેરમાં ફેલાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ ઘટના સમગ્ર ટાઉનમાં ચર્ચાનો વિષય બની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધારીના વેકરીયા પરા નજીક આવેલી વાડીમાં કેટલાક આવારા તત્વો દારૂ પીધેલી હાલતમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાં નાહવાની જીદ કરવા લાગ્યા હતા. વાડી માલિકે આ નશાખોર શખ્સોને પવિત્ર જગ્યાએ નાહવાની અને ગેરવર્તણૂક કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ના પાડવાની વાત અસામાજિક તત્વોને હજમ ન થતાં, તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વાડી માલિક તેમજ તેમની સાથે હાજર અન્ય પ્રૌઢ પર લાકડીઓ અને હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલામાં પૂર્વ ધારાસભ્યના બંને પ્રૌઢ ભાઈઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
