સુરતમાં ડ્રગ્સના નેટવર્ક સામે તંત્ર એક્શનમાં
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં N-CORDની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
નાર્કોટિક્સ પ્રવૃત્તિ રોકવા એક્શન પ્લાન અંગે ચર્ચા
સુરતમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ અટકાવવા કડક કાર્યવાહી માટે તંત્ર સક્રિય બન્યું હોય તેમ સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એન કોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી કાર્યવાહી અને એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરની અધ્યક્ષતામાં યોજાયેલી એન કોર્ડની બેઠકમાં નાર્કોટિક્સ સામેની કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દે ચર્ચા થઈ હતી. ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અને અન્ય નાર્કોટિક્સ પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે વિભાગીય સંકલન વધારવા પર ભાર મૂકાયો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં ડીઆરઆઈ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. ફોરેસ્ટ વિભાગ, કલેક્ટર કચેરી, સુરત મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સોશિયલ ડિફેન્સ તેમજ સ્મિમેર હોસ્પિટલના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતાં. નાર્કોટિક્સની પ્રવૃત્તિ સામે માત્ર પોલીસ જ નહીં, પરંતુ તમામ સંબંધિત વિભાગો સાથે મળીને કામગીરી કરે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા, માહિતીનું આદાન-પ્રદાન વધારવા અને જરૂરિયાત મુજબ સંયુક્ત કાર્યવાહી કરવા અંગે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાનોમાં નશાની પ્રવૃત્તિ ન ફેલાય તે માટે શિક્ષણ અને સોશિયલ ડિફેન્સ વિભાગની ભૂમિકા પર પણ ભાર મૂકાયો હતો. તો આ સમગ્ર મામલે વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરી નાર્કોટિક્સની પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.
