ગાંધી જયંતીએ સુરતમાં ગેરકાયદે કતલખાના સામે અહિંસા માર્ચ
સાધુ-સંતો અને જીવદયાપ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ગાંધી જયંતીના દિવસે સુરતમાં ગેરકાયદે કતલખાનાઓ સામે અવાજ ઉઠાવાયો હોય તેમ વિવિધ સાધુ-સંતો, સમાજના આગેવાનો અને જીવદયાપ્રેમીઓ દ્વારા આજે અહિંસા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરાના સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થયેલી આ માર્ચ અઠવાલાઇન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતીના દિવસે સુરતમાં અહિંસા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. બે ઓક્ટોબરે સવારે 8:30 કલાકે ઉમરાના સરગમ શોપિંગ સેન્ટરથી માર્ચનો પ્રારંભ થયો હતો જેમાં સાધુ-સંતો, વિવિધ સમાજના લોકો અને જીવદયાપ્રેમીઓ માર્ચમાં જોડાયા હતાં. આયોજકોના જણાવ્યા મુજબ આરટીઆઈમાંથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં માત્ર આઠ કતલખાના કાયદેસર રીતે કાર્યરત છે. અન્ય કતલખાનાઓ સામે ગેરકાયદેસર રીતે ચાલતા હોવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અહિંસા માર્ચ ઉમરાથી શરૂ થઈ અઠવાલાઇન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરી તેમને બંધ કરાવવાની માંગ કરી હતી. આયોજકોએ દાવો કર્યો હતો કે કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અને જો ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી નહીં થાય તો સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.
