સુરતમાં ‘નન્હી કિલકારી’ અંતર્ગત POCSO અવેરનેસ કાર્યક્રમ યોજાયો
એમ.ટી.બી. કોલેજમાં ન્યાયતંત્ર, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
સુરતમાં બાળકોની સુરક્ષા અને પોકસો કાયદા અંગે જાગૃતિ ફેલાવવા માટે નન્હી કિલકારી અભિયાન અંતર્ગત વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. એમ.ટી.બી. કોલેજ ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ન્યાયતંત્ર, પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બાળકો સાથે થતા જાતીય ગુનાઓ સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરતમાં નન્હી કિલકારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત એમ.ટી.બી. કોલેજ ખાતે પોસ્કો અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોને પોસ્કો કાયદાની જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જાતીય સતામણીથી બચવા માટેની સાવચેતી, બાળકોના કાયદાકીય અધિકારો અને મુશ્કેલીના સમયે મદદ મેળવવાના માર્ગો અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા ગોપી સહિત ન્યાયતંત્ર, પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત કોર્ટના પ્રિન્સિપલ જજ ઉપરાંત જિલ્લા કલેકટર અને સુરત મહાનગરપાલિકા કમિશનરની પણ ઉપસ્થિતિ રહી હતી. નન્હી કિલકારી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં જાતીય શોષણ અને ગુનાઓ અંગે જાગૃતિ લાવવાનો તેમજ આવા બનાવો અંગે બાળકોમાં રહેલો ભય દૂર કરવાનો છે. અભિયાન અંતર્ગત સુરત શહેરના છ ઝોનમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.
