સુરત સાયબર ક્રાઇમના કરોડોની છેતરપિંડી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
ફેક દસ્તાવેજો અને ડિજિટલ સિગ્નેચરથી આઈજીએસટી પોર્ટલ પર છેતરપિંડીનો આરોપ
સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરોડોની રોસ સીટીએલ ઈ સ્ક્રીપ્સ છેતરપિંડીના મામલામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ફેક દસ્તાવેજો, બનાવટી ડિજિટલ સિગ્નેચર અને ખોટા ઈ-મેલ તથા મોબાઇલ નંબરના આધારે આઈસગેટ પોર્ટલ પર છેતરપિંડી આચરી હતી.
સુરત સાયબર ક્રાઇમ પોલીસે રોસ સીટીએલ ઈ સ્ક્રીપ્સ છેતરપિંડીના કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી ફરિયાદીની ફર્મના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, બનાવટી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ આઈસગેટ પોર્ટલ પર ફરિયાદીની ફર્મના નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ માટે ફેક ઈ-મેલ આઈડી અને અન્ય મોબાઇલ નંબર પણ રજિસ્ટર કરાયા હતાં. ફરિયાદીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડનો ઉપયોગ કરી માલની નિકાસ બતાવી ભારત સરકારની રોસ સીટીએલ સ્કીમ હેઠળ કુલ 7 ઈ સ્ક્રિપ્સના લાભ મેળવવામાં આવ્યા હતા. જેમાંથી 4 ઈ સ્ક્રિપ્સની 54.25 લાખથી વધુની કિંમત હતી. આ કેસમાં પોલીસે મુંબઈ ખાતેથી આમીર આસીફ પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ અગાઉ ઝડપાયેલા મોહમદ સાહીબ સાથે મળી એક બનાવટી કંપની ઉભી કરી હતી. બનાવટી ડિજિટલ સિગ્નેચર તૈયાર કરાવી કંપનીનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ તેમજ આઈડી-પાસવર્ડની માહિતી મેળવી ફરિયાદીની 39.78 લાખથી વધુની ઈ સ્ક્રિપ્સ ટ્રાન્સફર કરી તેનો ઉપયોગ કર્યો હતો. આ કામગીરી બદલ આરોપીએ 5 ટકા કમિશન મેળવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અગાઉ તક્ષલ લુંગીવાલા અને સાહીબની ધરપકડ કરાઈ છે.
