સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક વિરુધ્દ એસીબીમાં ગુનો
દિલીપભાઈ નારણભાઈ પટેલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો
31.43 ટકા અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનું સામે આવ્યું
સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં તેમની કાયદેસરની આવક કરતાં 31 લાખ રૂપિયાથી વધુ, એટલે કે 31.43 ટકા અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનું સામે આવ્યું છે.
સુરત શહેર એસીબીએ સુરત જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. એસીબીની પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ વર્ષ 2008થી 2018 દરમિયાન પોતાની કાયદેસરની આવકની સરખામણીએ 31 લાખ 400 રૂપિયાની વધુ સંપત્તિ એકત્ર કરી હતી. તપાસમાં આ રકમ તેમની કુલ આવક કરતાં 31.43 ટકા વધુ હોવાનું સામે આવ્યું છે. સરકાર તરફેથી નોંધાયેલી ફરિયાદના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલાની વધુ તપાસ નવસારી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે મદદનીશ નિયામક આર.આર. ચૌધરી તપાસની દેખરેખ રાખી રહ્યા છે.
