વાલોડના અંધાત્રીમાં ‘ખુલ્લેઆમ’ જુગારધામ

Featured Video Play Icon
Spread the love

વાલોડના અંધાત્રીમાં ‘ખુલ્લેઆમ’ જુગારધામ
નહેર કિનારે વરલી-મટકા અને ચકલી-પોપલીના અડ્ડા
જુગારને કારણે સ્થાનિક પરિવારોમાં ભારે રોષ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વાતો વચ્ચે વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંધાત્રી ગામે ચોંકાવનારી વિગતો સામે આવી છે. અહીં નહેરની બાજુમાં દિનદહાડે ચાલતા જુગારના અડ્ડાઓએ પોલીસના પેટ્રોલિંગ અને ધાક સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ગામમાં જાહેરમાં રમાતા વરલી મટકા અને ચકલી-પોપલીના જુગારને કારણે સ્થાનિક પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અંધાત્રી ગામની નહેર પાસે સવારથી સાંજ સુધી જુગારીઓનો જમેલો જોવા મળે છે. વરલી મટકા અને ચકલી-પોપલી જેવા જુગાર કોઈ પણ પ્રકારના ખચકાટ વગર રમાડવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે મુખ્ય માર્ગ અને નહેરની નજીક હોવા છતાં, આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. શું આ જુગારીઓને પોલીસનો જરા પણ ડર નથી ? તેવો પ્રશ્ન પંથકમાં ચર્ચાઈ રહ્યો છે. જુગારના આ દૂષણને કારણે ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે, ગામના અને આજુબાજુના યુવાનો જુગારની લતે ચઢી આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે. જુગારના અડ્ડાઓ પર અવારનવાર થતી બોલાચાલી અને ઝઘડાઓને કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે. અનેક પરિવારો આર્થિક કટોકટીમાં મુકાતા સામાજિક અરાજકતા વધવાની ભીતિ છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું વાલોડ પોલીસ આ હકીકતથી અજાણ છે ? જો પોલીસ સક્રિય હોય તો ગામની અંદર આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ ચાલે છે ? સ્થાનિકોમાં એવી પણ ચર્ચાઓ છે કે શું આ અડ્ડાઓને કોઈ “વગદાર” આશીર્વાદ મળી રહ્યા છે ? જવાબદાર અધિકારીઓની ચુપકીદી હવે અનેક શંકાઓને જન્મ આપી રહી છે. અંધાત્રીના જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે માંગ કરી છે કે તાત્કાલિક અસરથી આ સ્થળો પર દરોડા પાડવામાં આવે. અને જુગારના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી પાસા (PASA) હેઠળ પગલાં લેવાય તેમજ આ વિસ્તારમાં કાયમી પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે વાલોડ પોલીસ ઊંઘમાંથી જાગીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બુલડોઝર ફેરવે છે કે પછી જુગારીઓનો આ ખેલ આમ જ ચાલુ રહેશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *