સુરત જિલ્લાના કામરેજ વલથાણ પાસે અકસ્માત
બેફામ કાર ચાલકે ઓવરટેકની લ્હાઈમાં બાઈક સવારોને અડફેટે લીધા
19 વર્ષીય કરણ સુરેશ કટારા અને 17 વર્ષીય સંદિપ દિલીપ રાઠોડને ઇજા
સુરત જિલ્લાના કામરેજ વલથાણ પાસે બેફામ કાર ચાલકે ઓવરટેકની લ્હાઈમાં બાઈક સવારોને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં એકનુ મોત નિપજ્યુ હતું.
સુરત જિલ્લાના કામરેજ વલથાણ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. વાત એમ છે કે સુરતના કામરેજ વલથાણ નજીક ઓવરટેક દરમિયાન બેફામ ટાટા નેક્સોન કારના ચાલકે બાઈક સવાર બે યુવાનોને ઉડાવ્યા હતાં. બાઈક પર જતા 19 વર્ષીય કરણ સુરેશ કટારા અને 17 વર્ષીય સંદિપ દિલીપ રાઠોડને ગંભીર ઈજાઓ થતા બન્નેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સંદિપ દિલીપ રાઠોડનુ મોત નિપજ્યુ હતું. જ્યારે કરણ સુરેશ કટારા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તો અકસ્માત બાદ કાર ચાલક ભાગી છુટ્યો હોય બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો સ્થાનિકોના કહેવા મુજબ ડાયવર્ટ રોડ પર ભારે વાહન અવર જવર તથા ઓવરલોડિંગ અને ઓવર સ્પેડીંગને કારણે અકસ્માતની ઘટનાઓ બને છે. છેલ્લા 3 મહિનામાં જ 4 થી 5 લોકોના મોત નિપજ્યા છે. જેને લઈ સ્થાનકોએ અદિક જિલ્લા મેજીસ્ટ્રેટ પાસે કાર્યવાહીની માંગ કરી છે.
