સુરતમાં ટ્રેનોમાં નશાનો કાળો કારોબાર
ટ્રેનો મારફતે થતી દારૂની હેરાફેરીના વિરોધમાં ઉગ્ર દેખાવો
વાપી ખાતે ધરણા માટે નીકળેલા કાર્યકર્તાઓને સુરત રેલવે પોલીસે અટકાવ્યા
સુરતમાં ટ્રેનોમાં નશાનો કાળો કારોબાર થતો હોવાની અનેક ફરિયાદો વચ્ચે ટ્રેનો મારફતે થતી દારૂની હેરાફેરીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરાયા હતાં. જો કે વાપી ખાતે ધરણા માટે નીકળેલા કાર્યકર્તાઓને સુરત રેલવે પોલીસે અટકાવ્યા હતાં.
સુરત અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન માર્ગે મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. કલ્પેશ બારોટ નામના આપના કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે વાપીથી ટ્રેનો મારફતે દારૂ લોડ થઈ સુરત સહિત વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. આ મુદ્દે રેલવે પોલીસ એટલે કે આરપીએફ અને જીઆરપીને પોતાની ફરજનું ભાન કરાવવા માટે વાપી રેલવે સ્ટેશન ખાતે બપોરે 12થી 1 વાગ્યા સુધી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ કાર્યકર્તાઓનું કહેવું છે કે ટ્રેનોમાં ચાલી રહેલી દારૂની હેરાફેરી સામે રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં અસરકારક કાર્યવાહી થતી નથી.
વાપી ધરણામાં ભાગ લેવા સુરત રેલવે સ્ટેશનથી નીકળેલા અંદાજે 70 જેટલા કાર્યકર્તાઓને સુરત રેલવે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્ટેશન વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
