અમદાવાદમાં સાબરમતી સફાઈ અભિયાનનો 8 મો દિવસ.
વલ્લભ સદન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી સફાઈ.
અત્યાર સુધીમાં 500 મેટ્રિક ટનથી વધુ કચરો બાહર કાઢ્યો.
અમદાવાદમાં સાબરમતી સફાઈ અભિયાનનો 8 મો દિવસ છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં આજે જોડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી 408 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો છે. તેમાં 33 મેટ્રિક ટનથી વધુ કાપડ, 70 મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક અને 41 મેટ્રિક ટન જેટલું લાકડું કાઢવામાં આવ્યું છે. આજે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં જોડાતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, પૂજનની અવશિષ્ટ સામગ્રી અને પ્લાસ્ટિકથી નદીમાં ખૂબ ગંદકી થાય છે. સાબરમતી નદીને સ્વચ્છ અને પવિત્ર રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે. આપણે સજાગ થઈશું તો આવનારી પેઢીને સ્વચ્છ સાબરમતી અને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરી શકીશું, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ.
તા. 15 મી મે થી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગ દ્વારા વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ધ્યાને લઈ ચોમાસા પૂર્વે દરવાજાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથમાં ધરવાની હોવાથી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવાની હતી. આમ નદી સંપૂર્ણપણે ખાલી થવાની જ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જનહિતમાં નદીની સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજ સુધીમાં આ મહાઅભિયાનમાં કુલ 40,435 લોકો શ્રમદાન કરી ચૂક્યા છે. લોકો સ્વતંત્રપણે, વિવિધ સંસ્થાઓ જેવી કે ધાર્મિક, સામાજિક, ઉદ્યોગ, શાળા, કોલેજ, NCC વિગેરે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાઈ રહ્યા છે. કચરો સાફ કરવામાં શ્રમદાન કરી રહેલા લોકો સાથે યાંત્રિક મજબૂતી આપવા માટે રોજે રોજ JCB, ટ્રક, ટ્રેક્ટર અને હિટાચી જેવા યાંત્રિક ઉપકરણો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી