સુરતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન,
સુરતમાં રાષ્ટ્રીય લોક અદાલત, દોઢ લાખથી વધુ પેન્ડિંગ કેસો સમાધાન માટે મુકાયા
રાષ્ટ્રીય લોક અદાલતમાં દોઢ લાખથી વધુ કેસો,
સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોઢ લાખથી પણ વધુ પેન્ડિંગ કેસો અને પ્રી-લિટિગેશન મેટર્સને આ લોક અદાલતમાં સમાધાન અર્થે મૂકવામાં આવ્યા હતાં.
સુરત જિલ્લા ન્યાયાલય અને તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ થયો છે. આ લોક અદાલતમાં દીવાની દાવા, મોટર અકસ્માત વળતર, ચેક રિટર્નની ફરિયાદો, દંડ અને શિક્ષાપાત્ર ફોજદારી કેસો તેમજ પ્રી-લિટિગેશનના દોઢ લાખથી વધુ કેસો ઓળખીને તેનો નિકાલ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્રાફિક ચલાણ જેવા એનસી કેસો માટે પણ સ્પેશિયલ સિટિંગનું આયોજન કરી સત્વરે કેસો ઉકેલવામાં આવી રહ્યા છે. અદાલત પરિસરમાં તમામ ન્યાયિક અધિકારીઓ, એડવોકેટ્સ અને મધ્યસ્થીઓ દ્વારા પક્ષકારોને સાચું માર્ગદર્શન આપીને કેસના કાયમી નિકાલ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોક અદાલત એ એવી વિશિષ્ટ ન્યાયિક વ્યવસ્થા છે જ્યાં કોઈ પક્ષકાર હારતો કે જીતતો નથી, પરંતુ બંને પક્ષકારો વચ્ચે સુમેળ સાધીને વિજયી ઉકેલ લાવવામાં આવે છે. વગર ખર્ચે અને ઝડપથી મળતા ન્યાયનો લાભ લેવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
