સુરતમાં ગણેશોત્સવ માટે આચારસંહિતા જાહેર,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગણેશોત્સવ માટે આચારસંહિતા જાહેર,
માટીની મૂર્તિ સ્થાપવા અપીલ
ગણેશોત્સવને લઈ શ્રી ગણેશ ઉત્સવ સમિતિની આચારસંહિતા જાહેર
ગણેશ મંડળો માટે નિયમો જાહેર, ધાર્મિક પવિત્રતા જાળવવા અપીલ

સુરતમાં શ્રી ગણેશ ઉત્સવને ધાર્મિક પવિત્રતા, સંસ્કૃતિ અને સામાજિક સમરસતા સાથે ઉજવવા માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. સમિતિએ ગણેશ મંડળોને માટીની મૂર્તિ સ્થાપવા સહિત વિવિધ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા ગણેશોત્સવને લઈને મહત્વપૂર્ણ આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. સમિતિએ આ વર્ષે માટીની મૂર્તિની સ્થાપના કરવા અને પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરી છે. દરેક શેરી, મહોલ્લા અને સોસાયટીમાં એક જ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી સંગઠન અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાની અપીલ કરવામાં આવી છે. ગણેશજીની મૂર્તિ ઉપર કોઈપણ પ્રકારની ખાદ્ય વસ્તુ કે અન્ય સામગ્રી ન લગાવવા પણ જણાવાયું છે. ઉત્સવ દરમિયાન ભજન-કીર્તન, નાટક, યોગ, રમતગમત, ચિત્ર સ્પર્ધા, ગીતા શ્લોક સ્પર્ધા, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને અન્ય સામાજિક તથા શૈક્ષણિક કાર્યક્રમો યોજવા સમિતિએ આગ્રહ કર્યો છે. ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ફિલ્મી કે બીભત્સ ગીતો નહીં, પરંતુ માત્ર ધાર્મિક અને દેશભક્તિના ગીતો વગાડવા સૂચના આપવામાં આવી છે. મંડપ ટ્રાફિકને અડચણરૂપ ન બને તેનું ખાસ ધ્યાન રાખવા, મંડપમાં નશીલા પદાર્થોનું સેવન કે જુગાર ન રમવા તેમજ ઓનલાઈન પરમિટ સમયસર મેળવવા પણ સૂચના અપાઈ છે. વિસર્જન યાત્રા માટે પોલીસ દ્વારા નક્કી કરાયેલા રૂટનું જ પાલન કરવાનું રહેશે. ટ્રકની આગળ પોલીસ સ્ટેશનનું નામ, પરમિટ નંબર અને વિસર્જન સ્થળ દર્શાવતું મોટું બેનર લગાવવાનું રહેશે. વિસર્જન યાત્રામાં નશાનું સેવન, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર, અશિષ્ટ વર્તન, રસ્તા પર ફટાકડા ફોડવા કે કચરો ફેલાવવાની મનાઈ કરવામાં આવી છે. સાથે જ અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ માહિતી માટે પોલીસ કંટ્રોલ રૂમ અથવા સમિતિનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ધર્માચાર્યોના માર્ગદર્શન અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિસર્જનનું કાર્ય સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ કરવા પણ સમિતિએ જણાવ્યું છે. શ્રી ગણેશ ઉત્સવને ધાર્મિક ગરીમા, શિસ્ત, દેશભક્તિ અને સામાજિક સેવા સાથે ઉજવવાનો સંદેશ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *