ગુજરાતમાંથી એટીએસએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ,
ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપતો હતો જાસૂસ.
એટીએસ એ સહદેવસિંહ દિપુભા ગોહિલની ધરપકડ કરી
ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત એટીએસની ટીમે આ પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ પાકિસ્તાનને માહિતી મોકલતો હતો. એટીએસની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી છે. આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. તાજેતરમાં ગુજરાત એટીએસે નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કર્યા બાદ ગુજરાત એટીએસ (ATS) એ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર (કોન્ટ્રાક્ટ) પર કામ કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા થતાં તેને 1 મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો. એટીએસએ સહદેવસિંહનો મોબાઈલ ફોન ફોરેન્સિક વિશ્લેષણ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલ્યો છે. ડીવાસની વિગતવાર તપાસમાં આરોપીના પાકિસ્તાની હેન્ડલર સાથેના સંદેશાવ્યવહાર અને ડેટા આપ-લેના નોંધપાત્ર પુરાવા મળ્યા છે.
વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને BSFની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા. આ અગાઉ એટીએસે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં પ્યૂન તરીકે હંગામી નોકરી કરતા નીલેશ વાલજીભાઈ બળીયા નામના યુવકની 7 જુલાઇ 2023ના રોજ જાસૂસી બદલ ધરપકડ કરી હતી. આ યુવક પણ અદિતિ નામની પાકિસ્તાની મહિલા હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો અને અંગત આર્થિક લાભ માટે તેણે બીએસએફ બોર્ડર પર થતાં બાંધકામો અને ભાવિ બંધકામોની માહિતી શેર કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી