હવામાન વિભાગનું 24 થી 27 મે સુધી વરસાદને લઈને યલો એલર્ટ
ગુજરાતના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગ્યું
નવસારીમાં વીજળી પડતાં લિફ્ટના કોલમને નુકસાન,
હવામાન વિભાગે 24 થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એવી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહી મુજબ 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. વાવાઝોડાની સંભાવનાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો દરિયમાં કરંટ હોવાથી મહાકાય મોજા ઉછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તા.24 મે ના વરસાદી સિસ્ટમ લો-પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ એવી શક્યતા છે. એટલે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનાર સમયમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે, જેમાં મુંબઈમાં અતિભારે વરસાદ પડી શકે છે
વાવાઝોડા શક્તિ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, હાલમાં વાવાઝોડુ નબળું પડ્યું છે. આજથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે. 24થી 27 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી-વંટોળ અને વરસાદ પણ રહેશે. 28 મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ વધારે રહેશે, જેના કારણે ચોમાસા પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી