સુરતમાં 5.29 લાખની સાયબર છેતરપિંડીના કેસ
શેરબજારમાં 30 થી 150 ટકા નફાની લાલચ આપી રોકાણ કરાવાયું
સાયબર ક્રાઇમ પોલીસે નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપ્યા
સુરતમાં 5.29 લાખની સાયબર છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. શેરબજારમાં 30 થી 150 ટકા નફાની લાલચ આપી રોકાણ કરાવાયું અને બાદમાં મની મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડના નાણાં ફેરવવામાં આવતાં હોવાનો ખુલાસો થયો છે.
સુરત સાયબર ક્રાઇમ સેલે 5.29 લાખની સાયબર છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ ગૌતમ સવાણી અને જયદીપ સવાણીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા ફરિયાદીને વોટ્સએપના ડબ્લ્યુ-1ધ વેલ્થ કોડ ગ્રુપમાં જોડાવી શેરબજારમાં રોકાણથી 30 થી 150 ટકા સુધીના નફાની લાલચ આપવામાં આવી હતી. બનાવટી શેર પ્રોફિટના ફોટોગ્રાફ અને બનાવટી વેબસાઇટની લિંક મોકલી રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શેર અને આઈપીઓ ખરીદવાના બહાને અલગ-અલગ બેંક ખાતામાં કુલ 5.29 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ અન્ય વ્યક્તિના નામે બેંક એકાઉન્ટ ખોલાવી મોબાઇલ નંબર, સિમકાર્ડ અને સહીવાળા કોરા ચેક પોતાના કબજામાં રાખ્યા હતા. આ ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા અને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો.
પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઉપયોગમાં લેવાયેલા એક્સીસ બેંક ખાતામાં માત્ર આ ફરિયાદીના 15 હજાર જ નહીં, પરંતુ 20 જૂનથી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન કુલ 2 કરોડ 9 લાખ 17 હજાર 352 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. આ મની મ્યુલ એકાઉન્ટ અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 20 અરજીઓ અને ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
