દિવાળી સીઝન પહેલાં FOSTTAની કાપડ વેપારીઓને સલાહ
પેમેન્ટ સંબંધિત ફરિયાદોમાં વધારો થતાં સાવચેતીની અપીલ
નવા વ્યવહારોમાં વેપારીઓએ ખાસ તકેદારી રાખવા સૂચના
દિવાળી સીઝન શરૂ થાય તે પહેલાં સુરતના કાપડ વેપારીઓ માટે ફોસ્ટાએ મહત્વની સલાહ જાહેર કરી હતી જેમાં પેમેન્ટ સંબંધિત ફરિયાદોમાં વધારો થતાં વેપારીઓને નવા વ્યવહારોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
દિવાળી સીઝનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી માટે આવવાના છે. ત્યારે નવા ગ્રાહકો સાથે વેપાર કરતી વખતે પૂરતી ચકાસણી કર્યા બાદ જ માલ આપવાની સલાહ ફોસ્ટા દ્વારા આપવામાં આવી છે. ફોસ્ટાનું કહેવું છે કે વેપારીઓએ જૂના બાકી નાણાંની વસૂલાતને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. માત્ર મૌખિક રેફરન્સના આધારે નવા વેપારીને માલ આપવાનું ટાળવા પણ અપીલ કરવામાં આવી છે. નવો વેપાર શરૂ કરતા પહેલાં સંબંધિત વેપારીની જીએસટી પોર્ટલ પરની વિગતો અને રિટર્નની માહિતી ચકાસવાની સૂચના આપવામાં આવી છે. બાકી પેમેન્ટ અને જીએસટી સંબંધિત વિગતો મેળવવા માટે ફોસ્ટા ફોરમ એપનો ઉપયોગ કરવા પણ વેપારીઓને અપીલ કરાઈ છે.
