સુરતમાં અનિમેષ માળીનું વિશેષ સન્માન
શ્રી સુરત જિલ્લા રામી માળી મદદ ફંડ દ્વારા સન્માન સમારોહ
માળી સમાજના ગૌરવ અનિમેષ માળીનું સન્માન કરાયું
સુરતમાં શ્રી સુરત જિલ્લા રામી માળી મદદ ફંડ દ્વારા માળી સમાજના ગૌરવ અને તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા અનિમેષ માળીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી સુરત જિલ્લા રામી માળી મદદ ફંડ દ્વારા મોટા વરાછાના રહેવાસી અનિમેષ માળીની ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિયુક્તિ બદલ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહનું આયોજન શ્રી સુરત જિલ્લા રામી માળી મદદ ફંડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના અગ્રણી ચંપકભાઈ ઠાકોરભાઈ માળી અને ઉષાબેન ચંપકભાઈ માળીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સન્માન સમારોહ દરમિયાન અનિમેષ માળીએ પોતાની નિયુક્તિ બદલ ભાજપના વરિષ્ઠ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સમગ્ર ગુજરાતમાં બક્ષીપંચ સમાજમાં ભાજપનો વ્યાપ વધારવા માટે વ્યાપક મહેનત કરવાની વાત પણ તેમણે કરી હતી. વિદ્યાર્થી સન્માન સમારોહ દરમિયાન અનિમેષ માળીએ વિદ્યાર્થીઓને શિક્ષણ અને કારકિર્દીમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માળી સમાજ મહેનત, શિસ્ત અને સાદગીનું પ્રતિક છે. પૂર્વજોએ આકરી મહેનત કરીને ધરતીમાંથી ફળ-ફૂલ ઉગાડ્યા અને આજે સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણ, જ્ઞાન અને પ્રતિભાની સુગંધ ફેલાવી રહ્યા છે, તે ગૌરવની વાત છે.
