સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગનું આઈસ્ક્રીમ પાર્લરોમાં ચેકિંગ
શહેરની 106 સંસ્થાઓમાં હાથ ધરાઈ તપાસ
48 સ્થળોએ જરૂરી માહિતીના બોર્ડ લગાવ્યા ન હોવાનું સામે આવ્યું
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા મનપાની કવાયત
સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લરો અને ઉત્પાદન-વેચાણ કરતી સંસ્થાઓ સામે તપાસ હાથ ધરી છે. શહેરની કુલ 106 સંસ્થાઓમાં તપાસ દરમિયાન 48 સ્થળોએ હજુ સુધી જરૂરી માહિતી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાય તે માટે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત મનપાના ફૂડ સેફ્ટી વિભાગે શહેરમાં 106 આઈસ્ક્રીમ પાર્લરો તેમજ આઈસ્ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં 48 સ્થળોએ હજુ સુધી માહિતી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. દૂધમાંથી બનતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકો સમજી શકે તે હેતુથી આ બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં બાકીની 48 સંસ્થાઓમાં પણ બોર્ડ લગાવવામાં આવે તે માટે તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
