પાવાગઢમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો પરવાનો કોણે આપ્યો ?
યાત્રાળુઓની ગાડીના પાર્કિંગ અને સાચવણીના નામે ખુલ્લેઆમ લૂંટ
પૈસાની ઉઘરાણી ચાલી રહી છે. પરંતુ તંત્ર મૌન કેમ ?
ગુજરાતના પંચમહાલમાં આવેલ પાવાગઢ ખાતે હજારો યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે યાત્રાળુઓની પાર્કિંગ અને સાચવણીના નામે ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે, પૈસાની ઉઘરાણી ચાલી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાં આવતા નથી.
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે. યાત્રાધામમાં દર્શને આવતા ભક્તોને સ્થાનિકો બેફામ લૂંટી રહ્યા છે. પાવાગઢમાં તળેટીમાં સરકારી જગ્યામાં સ્થાનિકો વાહનચાલકો પાસે પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગના 100 રૂપિયા પડાવી લે છે. પાવાગઢ ઐતિહાસિક પર્યટક સ્થળ અને માતા મહાકાળીના દર્શન માટે દૈનિક હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. જેથી દર શનિવારે અને રવિવારે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. દર્શનાર્થીઓ પોતાની ગાડી લઈને ગુજરાત તેમજ દેશભરમાંથી આવતા હોય છે. હજારો વાહનચાલકોને પાર્કિંગની સમસ્યા રહેતી હોય છે. અહીં પાર્કિંગની વ્યવસ્થા તો છે પણ પાર્કિંગમાં જગ્યા ન હોવાથી લોકો રોડની સાઈડ પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે. જેનો સીધો ગેરલાભ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. બેફામ વાહનપાર્કિંગની થતી ઉઘરાણીને લઈને મંદિરે આવતા શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી જોવા મળી. લોકોનું કહેવું છે કે દર્શને આવ્યા એટલે થોડા-ઘણા રૂપિયા સામે કોઈ જોવે નહીં. પણ ભક્તોને આવી રીતે લૂંટી લેવા તે યોગ્ય નથી
પાવાગઢ જતા જેવું કોઈ પોતાનું વાહન પાર્ક કરે કે તરત જ કેટલાક લોકો પાર્કિંગના પૈસાની ઉઘરાણી કરી દેતા હોય છે, જેમાં એક ગાડીના 100 રૂપિયા લેવામાં આવતા હોય છે અને ગાડી પાર્ક કર્યા પછી પૈસા આપ્યા પછી પણ કોઈ પહોંચ આપતા નથી, તો ક્યારેક કાગળિયા પર લખીને આપતા હોય છે. સરકારી જગ્યા પર અડિંગો જમાવીને બેઠેલા વ્યક્તિ સરકારી રોડની સાઇડમાં પાર્કિંગ કરવાના પૈસાની ઉઘરાણી કરતા જોવા મળે છે. ખુલ્લેઆમ પાર્કિંગ અને સાચવણીના નામે ઉઘાડી લુંટ કરવામાં આવતી જોવા મળી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી