લાંબુ જીવન જીવવા માટે શું ખાવું? હાર્વર્ડની સ્ટડીમાં થયો ખુલાસો
તમે જે ખાઓ છો તેની અસર તમારા શરીરમાં ફક્ત 24 કલાક સુધી રહેતી નથી. પરંતુ તમે દરરોજ તમારી ખાવાની આદતોથી તમારા સ્વાસ્થ્યને બનાવો છો અને બગાડો છો. જેનું પરિણામ કોઈ પણ સમયે કોઈપણ બીમારીના રૂપમાં દેખાઈ શકે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલી એક નવી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જો તમે તમારી ડાયટમાં વધુ શાકભાજી, આખા અનાજ અને હેલ્ધી ફેટ્સનો સામેલ કરો છો, તો તમે લાંબા સમય સુધી બીમારીથી મુક્ત રહી શકો છો.
આ સ્ટડી નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થઈ છે અને તેને હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. 30 વર્ષ સુધી ચાલેલી આ સ્ટડીમાં 1 લાખથી વધુ લોકોની ડાયટ અને લાઇફસ્ટાઇલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પરિણામોએ સ્પષ્ટપણે દર્શાવ્યું કે, જે લોકો સંતુલિત અને પૌષ્ટિક આહાર અપનાવે છે તેઓ 70 વર્ષની ઉંમર પછી પણ કોઈ ગંભીર બીમારી વિના માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે.
સ્ટડીમાં આઠ પ્રકારના હેલ્ધી આહાર પેટર્નનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આમાંથી સૌથી અસરકારક ડાયટ અલ્ટરનેટિવ હેલ્ધી ઈટિંગ ઈન્ડેક્સ (AHEI) હોવાનું જાણવા મળ્યું. આ ડાયટનું પાલન કરનારા લોકોમાં કોઈ ગંભીર બીમારી વિના 70 વર્ષની ઉંમર સુધી પહોંચવાની શક્યતા 86% વધુ હતી. અલ્ટરનેટિવ હેલ્ધી ઈટિંગ ઈન્ડેક્સ ડાયટ શું છે? આ ડાયટમાં તાજા ફળો અને શાકભાજી, આખા અનાજ જેમ કે, બ્રાઉન રાઇસ, ઓટ્સ, ક્વિનોઆ, પોપકોર્ન, બદામ અને કઠોળ હેલ્ધી ફેટ્સ જેમ કે, એવોકાડો, ઇંડા, માછલી અને ઓલિવ ઓઈલ સામેલ થાય છે. સાથે જ આ ડાયટમાં પ્રોસેસ્ડ મીટ, મીઠા પીણાં અને વધુ પડતા મીઠાથી દૂર રહેવાનો પણ સમાવેશ થાય છે.
શું કહે છે રિસર્ચ?
સંશોધકોને જાણવા મળ્યું કે, જે લોકોની ડાયટ વધુ સંતુલિત અને નેચરલ હતી તેઓ જીવનભર બીમારીથી મુક્ત રહેવાની શક્યતા વધુ હતી. જ્યારે જે લોકો વધુ જંક ફૂડ, પ્રોસેસ્ડ માંસ, મીઠા અને ખારા ઉત્પાદનોનું સેવન કરતા હતા તેમને ડાયાબિટીસ, હૃદય રોગ અને માનસિક રોગનું જોખમ વધુ હતું.
આ ડાયટ પણ ફાયદાકારક
રિસર્ચ મુજબ અલ્ટરનેટિવ હેલ્ધી ઈટિંગ ઈન્ડેક્સ ઉપરાંત મેડિટેરિયન, ડેશ, છોડ આધારિત આહાર પણ ફાયદાકારક છે. જો તમે લાંબુ જીવવા માંગો છો, તો આ ડાયટ પ્લાનનું પાલન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેન્ક હુએ જણાવ્યું હતું કે, આ સ્ટડી દર્શાવે છે કે આહાર માત્ર રોગોને અટકાવતો નથી પણ વૃદ્ધોને સ્વતંત્ર અને સક્રિય જીવન જીવવામાં પણ મદદ કરે છે.