દોઢસો સેકન્ડના વર્કઆઉટનો ટ્રેન્ડ : હવે ફિટનેસમાં પણ શોર્ટકટ
ટૂંકા, તાત્કાલિક અસર કરે તેવા વર્કઆઉટનું આકર્ષણ કોઈને ન થાય તો જ નવાઈ. આજની વ્યસ્ત જીવનશૈલીમાં જ્યારે સમય સર્વોપરી છે અને અંગત તેમજ વ્યાવસાયિક જવાબદારીઓ આપણા સમયપત્રકને નક્કી કરે છે ત્યારે માત્ર દોઢસો સેકન્ડમાં ફિટ બોડી હાંસલ કરવાનો વિચાર પણ પ્રિય લાગે. જોકે આ વર્કઆઉટ ટ્રેન્ડ આકર્ષક લાગતો હોવા છતાં એક સવાલ તો ઉપસ્થિત થાય જ: આવો વર્કઆઉટ ખરેખર અસરકારક સાબિત થઈ શકે? દરરોજ માત્ર અઢી મિનિટ વર્કઆઉટ કરવાથી લાંબા ગાળાના ફિટનેસ લક્ષ્યાંક હાંસલ થઈ શકે ખરા? આ સવાલોનો જવાબ તેમજ આ નવા ટ્રેન્ડ વિશે વિગતવાર માહિતી અને તેની સંભવિત અસરો વિશે જાણકારી મેળવવા આરોગ્ય અને ફિટનેસ નિષ્ણાંતોના મત મેળવવા પડે.
જાણીતા યોગ પ્રશિક્ષકોના મતે ૧૫૦ સેકન્ડના વોકિંગ વર્કઆઉટમાં પ્રત્યેકી ૩૦ સેકન્ડની પાંચ કસરતો સામેલ હોય છે. માર્ચ પાસ્ટ, જમ્પીંગ જેક્સ, હાઈ નીઝ, બટ કિક્સ અને ઓપોઝીટ ટો ટચીસ નામની આ પાંચ કસરતો દસ વાર રિપીટ કરવાની હોય છે. નિષ્ણાંતોના મતે આ કસરતો પેડોમીટર પર ચાર હજારથી પાંચ હજાર પગલા જેટલી થાય છે. વર્કઆઉટની સરળતા અને સંક્ષિપ્તતા વધુ વ્યાપક વ્યાયામ દિનચર્યા માટે સમય ફાળવવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે આકર્ષક વિકલ્પ બની રહે છે. ૧૫૦ સેકન્ડ વર્કઆઉટ સંક્ષિપ્ત હોવા ઉપરાંત લગભગ તમામ માટે શક્ય હોવાને કારણે પણ આકર્ષક છે. તેમાં કોઈ ઉપકરણ અથવા સાધનની જરૂર નથી પડતી તેમજ તેની ક્રિયાઓ પણ મૂળભૂત હોય છે જે લગભગ તમામ લોકો કરી શકે છે. આથી જ પ્રથમવાર કસરત કરનારા માટે પણ તે સહેલી છે. જો કે ખરો સવાલ એ છે કે આ ટૂંકી કસરત લાંબાગાળાના ફિટનેસ લક્ષ્યાંકો હાંસલ કરી શકે કે કેમ.