સુરત ગૌમાતા પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્રભાવના
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ
શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ
સુરત ગૌમાતા પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્રભાવનાના રંગમાં રંગાઈ ગયું હોય તેમ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ, સંતો-મહંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ હજારો ગૌભક્તોએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અગ્રસેન ભવનથી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી મહારાજ અને ગૌઋષિ સ્વામી ગોપાલાનંદજી મહારાજના સાનિધ્યમાં ભજન-કીર્તન અને ગૌવંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રેલીમાં સંતો-મહંતો, વિવિધ સમાજોના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. હાથમાં બેનરો, ભગવા ધ્વજ અને ગૌમાતાના સંદેશ સાથે શહેરમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ગાય બચશે તો દેશ બચશે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ ગૌમાતાનું સંરક્ષણ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને માનવ કલ્યાણ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય છે.
