સુરતમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી ગાજ્યો
મંજૂર પ્લાનથી વિરુદ્ધ બાંધકામ, યુઝ સર્ટિફિકેટ વગર બિલ્ડિંગો
ગેરકાયદેસર કનેક્શનના આક્ષેપો સાથે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો
સુરતમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી એકવાર રાજકીય રંગ પકડી રહ્યો હોય તેમ મંજૂર પ્લાનથી વિરુદ્ધ બાંધકામ, યુઝ સર્ટિફિકેટ વગર બિલ્ડિંગોનો ઉપયોગ અને ગેરકાયદેસર કનેક્શનના આક્ષેપો સાથે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ હતી.
સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું હોય તેમ કોંગ્રેસના આક્ષેપ મુજબ સરથાણા, સીમાડા, શ્યામધામ, વાલક અને લસકાણા સહિતના વિસ્તારોમાં મંજૂર નકશા વિરુદ્ધ મોટા પાયે બાંધકામ કરવામાં આવ્યા છે. આક્ષેપો અનુસાર અનેક બિલ્ડિંગોમાં યુઝ સર્ટિફિકેટ મેળવ્યા વિના જ રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગેરકાયદેસર રીતે પાણી, ગટર અને વીજળીના કનેક્શન પણ આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો છે કે આવા બાંધકામોના કારણે સુરત મહાનગરપાલિકાને એફએસઆઈ સહિતની આવકમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે રહેણાંક વિસ્તારોમાં નિયમોના ભંગ સાથે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ પણ ધમધમી રહી છે. કોંગ્રેસે તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાની, યુઝ સર્ટિફિકેટ વગરના બિલ્ડિંગોને સીલ કરવાની અને ગેરકાયદેસર પાણી, ગટર તથા વીજળીના કનેક્શન કાપવાની માંગ ઉઠાવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. હવે આ મુદ્દે મહાનગર પાલિકા અને પ્રશાસન શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
