દાહોદ લીમખેડાના દુધિયામાં કરોડોની ઉચાપત

Featured Video Play Icon
Spread the love

દાહોદ લીમખેડાના દુધિયામાં કરોડોની ઉચાપત
ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ
ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી આચર્યું કૌભાંડ

દાહોદના લીમખેડા તાલુકાના દૂધિયા ગામની સહકારી ક્રેડિટ સોસાયટીમાં ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટના આધારે રૂ.1.33 કરોડની ઉચાપતનો પર્દાફાશ થયો છે. બે સભાસદો અને એક ક્લાર્ક સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાંથી સહકારી ક્ષેત્રને હચમચાવી મૂકનારો એક મોટો નાણાકીય કૌભાંડ અને ઉચાપતનો કેસ સામે આવ્યો છે. લીમખેડા તાલુકાના દૂધિયા ગામમાં કાર્યરત ‘ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી’માં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો પર્દાફાશ થયો છે. મંડળીના જવાબદાર હોદ્દેદારો અને કર્મચારીઓએ જ ગરીબ અને મધ્યમવર્ગીય સભાસદોના પરસેવાની કમાણીની થાપણો સેરવી લીધી હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઓડિટ વર્ષ 2024-25 દરમિયાન જ્યારે મંડળીના હિસાબોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે આ કૌભાંડ સપાટી પર આવ્યું હતું. આરોપીઓએ મંડળીના રેકોર્ડમાં ભારે ગોબાચારી કરીને ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ ઊભા કર્યા હતા. આ નકલી કાગળોના આધારે આરોપીઓએ સભાસદોની જાણ બહાર કુલ રૂપિયા 1.33 કરોડથી વધુની માતબર રકમની ઉચાપત કરી નાખી હતી. આ જંગી રકમ આરોપીઓએ મંડળીના હિતમાં વાપરવાને બદલે પોતાના અંગત મોજશોખ અને ઉપયોગમાં લઈ મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.

મંડળીમાં થયેલી આ કરોડોની ઉચાપત અંગે આખરે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવ્યા છે. ભરતભાઈ પટેલે આ સમગ્ર મામલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મંડળીના બે સભાસદો અને કલેક્શન ક્લાર્ક સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવવા અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. લીમખેડા પોલીસે ગુનો દાખલ કરીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *